Monday, August 28, 2023

ગીત: રાખડી

રાખડી ભાવનાના આભમાં અનંત છે આ રાખડી, લાગણીના મંદિરોની સંત છે આ રાખડી... બેનની દુવાઓ એના ભાઈને ફળી સદા, ભાઈને નડે જે એવી આફતો ટળી સદા. મેઘ પ્રેમનો બનીને આવી રાખડી સદા, ભાઈ બેનના હૃદયથી વરસી લાગણી સદા. રાગ દ્વેષના તમસનો અંત છે આ રાખડી, લાગણીના મંદિરોની સંત છે આ રાખડી... ભાઈ બેનનું મિલન આ રાખડી કરાવતી, દોરીઓ આ હાથ, ભાલ, આંગળી મળાવતી. નાળિયેરી પૂનમે એ પ્રેમ લઈને આવતી, છોડ થોરનો હટાવી રાતરાણી વાવતી. વેર ભાવ દૂર કરતી ખંત છે આ રાખડી, લાગણીના મંદિરોની સંત છે આ રાખડી. લાગણીની દોરીઓ કદી ના તૂટે હે પ્રભુ, બેન કોઈ ભાઈ થી કદી ના રૂઠે હે પ્રભુ. પ્રેમનો ખજાનો આ કદી ના ખૂટે હે પ્રભુ, સાથ ભાઈ બેનનો કદી ના છૂટે હે પ્રભુ. ભાઈ બેનના હૃદયનો પંથ છે આ રાખડી, લાગણીના મંદિરોની સંત છે આ રાખડી. -- મુકેશકુમાર પાંડેય 'જિગર'